બોર્ડની પરીક્ષાને આડે હવે એક જ દિવસ વધ્યો છે. વિદ્યાર્થીઓ પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓ વધુ ટકા મેળવવાની લ્હાયમાં ડિપ્રેશનમાં આવી જતાં હોય છે. પરંતુ અનેક વિદ્યાર્થીઓ સમસ્યાનો સામનો કરતા હોય છે પરંતુ તેમનો સંઘર્ષ કેવો હોય છે તેમાંથી પ્રેરણા મળે તે માટે દિવ્ય ભાસ્કરે અહીં ચાર કિસ્સા રજૂ કર્યા છે. તેજસ્વી વિદ્યાર્થીઓ છે જેમને પરીક્ષા સમયે જ કપરી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. આંખો ગઈ, અકસ્માત થયા, કરોડરજ્જુઓમાં ઈન્ફેક્શન સહિતની ગંભીર પરિસ્થિતિઓ સામે ઝઝૂમીને પણ વિદ્યાર્થીઓ અડગ છે અને પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દી ભણી ડગલા માંડી રહ્યા છે અને સાથે જ લાખો વિદ્યાર્થીને પ્રેરણા આપે છે.
શિક્ષકોનો સપોર્ટ – પગમાં ફ્રેક્ચર થતા 2 મહિનાથી સ્કૂલે ન જઈ શકી
અભ્યાસ શરૂ કર્યો ત્યારથી ધો. 9 સુધી સતત સ્કૂલ ટોપર રહેનાર અને ધો.10માં
ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી નિરાલી દિલીપભાઈ મોજીદ્રા 29મી જાન્યુઆરીએ
પગથિયાં ઉતરી રહી હતી ત્યારે પડી જવાથી પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે.
ડોક્ટરે હલનચલન કરવાની ના પાડતા સ્કૂલ જવાનું બંધ છે. ઘરે જ વાંચન કરે છે
અને કોઇ સમસ્યા હોય તો શિક્ષકને ફોન કરી દે છે ક્યારેક શિક્ષકો ઘરે આવીને
પણ ભણાવે છે. પરીક્ષા સમયે જ સ્કૂલ બંધ થઈ છતાં નિરાલીનો આત્મવિશ્વાસ જરા
પણ ડગ્યો નથી. ધો. 10માં 80 ટકાની ઉપર જ આવશે તેવું સ્પષ્ટપણે જણાવી રહી
છે.
પહેલા પરીક્ષા – કરોડરજ્જુમાં ગાંઠ, 40 દિવસ સ્કૂલમાં રજા રાખી હતી
ધો.10માં 95 ટકા અને 99.93 પીઆર સાથે બોર્ડમાં 7મો ક્રમ મેળવનારી દિર્ઘા
સંજયભાઈ માંકડ ધો.12 કોમર્સમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે. 6 જૂનના
દિવસે તેને અચાનક કમરમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં તેમની
કરોડરજ્જુમાં ગાંઠ હોવાનું નિદાન થયું. આ કારણે તે સતત બીમાર જ રહે છે સતત
40 દિવસ સ્કૂલે ન ગઈ અને ત્યારબાદ અવારનવાર દાખલ કરવી પડી છે. પરીક્ષા
હોવાથી હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી છે, હવે પરીક્ષા પછી હોસ્પિટલ જશે. 6
માસથી અભ્યાસ બગડ્યો હોવા છતાં 85 ટકા મેળવશે તેવો તેનો આત્મવિશ્વાસ છે.
અડગ મન – આંખોની રોશની ગઈ, છ મહિના સારવાર ચાલી
અભ્યાસમાં આગળ હોય અને આંખોની રોશની જાય તો વિદ્યાર્થીના મન પર કેવી અસર
થાય તે વિચારવું જ અઘરું છે પણ આવી ઘટના બની છે. મોદી સ્કૂલમાં ધો.10માં
અભ્યાસ કરતી કૃતિ અશ્વિનભાઈ જોશીને જૂન માસમાં વીકેએચ નામની બીમારી થઇ જેને
કારણે આંખોની 90 ટકા દૃષ્ટિ તેણે ગુમાવી હતી. આ કારણે અભ્યાસ બંધ થઈ ગયો
હતો. સારવાર ચાલુ કરાવી તો 50 ટકા સુધી દૃષ્ટિ આવી અને ફરી દૃષ્ટિ ગઈ આ
રીતે તેનો સંઘર્ષ લાંબો ચાલ્યો. સેમેસ્ટરની પરીક્ષામાં રાઈટર બેસાડવો પડ્યો
હતો. હવે તેને થોડું થોડું દેખાય છે એટલે પોતે પરીક્ષા આપશે. તે 90 ટકા
મેળવશે તેવો કૃતિને પૂરો વિશ્વાસ છે.
બીમારી હારશે – ટાઈફોઈડ થતા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે
ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા યશીલ અવિચળભાઈ કાનાણીને હજુ 10 દિવસ પહેલાં જ
ટાઈફોઈડ થતા ઊભો પણ થઈ શકતો નથી અને હોસ્પિટલમાં દાખલ છે. તબીબોએ અનાજની પણ
ના પાડી છે. હજુ થોડા દિવસ તેને દાખલ રહેવું પડશે પણ પરીક્ષા હોવાથી તેણે
હોસ્પિટલમાંથી રજા લેવા ડોક્ટર્સને કહ્યું છે. યશીલને ધો. 10માં 99.93 પીઆર
સાથે બોર્ડમાં 7મો ક્રમ મેળવ્યો હતો. સતત 10 દિવસથી બીમારીને કારણે અભ્યાસ
છૂટ્યો હોવા છતાં તે કહે છે કે ધો.12માં 99 પીઆર કરતા વધુ ગુણ આવશે અને
ફરી વખત બોર્ડમાં ટોપર થઈને બતાવશે.