રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ 15 લોકો મળી આવતા રીતસરનો હડકંપ મચી જવા પામ્યો છે. રાજધાની દિલ્હી પહોંચેલા 21 પ્રવાસીઓને અલગ સ્થળે રાખવામાં આવ્યા હતા. તમામને ITBPના કેમ્પમાં મોકલી આપવામાં આવ્યા છે.
અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થા (AIIMS)માં તમામ પ્રવાસીઓના સેમ્પલ તપાસ્યા હતાં. જેમાં 21માંથી 15 પ્રવાસી કોરોનાવાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ 15 દર્દીઓને હરિયાણાના છાવલા સ્થિત આવેલા ITBP કેમ્પમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ હતી. ભારત અને ચીન બંને પાડોશી દેશો છે. જેથી ભારતમાં પણ ચીનમાંથી જ આ વાયસર ફેલાય તેવી ભીતી હતી પરંતુ આ માન્યતા ખોટી ઠરી છે. ભારતમાં કોરોના વાઈરસનું આક્રમણ ચીનથી નહીં પરંતુ યુરોપથી થયું છે. ચીનને લઈને વધુ સતર્કતા વર્તવામાં આવી રહી હોવાના કારણે યુરોપથી આવતા મુસાફરો પર ક્યારેય ધ્યાન અપાયું નહીં.
જેથી ભારતમાં કોરોનાગ્રસ્ત લોકો ચીન નહીં પણ યુરોપ અને તેમાં પણ ખાસ કરીને ઈટાલીથી આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી એરપોર્ટ પર આવેલા 21 ઈટાલીના નાગરિકોમાંથી 15 નાગરિકો કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ તમામ પોઝિટિવ મુસાફરોને સીધા આઈટીબીપીના છાવલા કેમ્પ મોકલી દીધા છે.
આ મામલે અધિકારીઓએ કહ્યું હતું કે. કેમ્પમાં રાખવામાં આવેલા તમામ 15 મુસાફરોના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલી દેવાયા છે. એનઆઈબી પુણેથી ફાઈનલ રિઝલ્ટ આવ્યાં બાદ જ સત્તાવાર માહિતી મળી શકશે.
આ ઉપરાંત ગઈ કાલે પણ રાજધાની દિલ્હી અને જયપુરમાં પણ ઈટાલીથી જ આવેલા પ્રવાસીઓ કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યો હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.