ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિની સાથોસાથ તંત્રની બનતી જવાબદારીનું ધ્યાન દોરતો ફેશન શો શહેરમાં યોજાયો હતો. મોડેલોએ ટ્રાફિક પોલીસનો ગણવેશ તેમજ હેલ્મેટ પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું. તો બાળ મોડલો દ્વારા ટ્રાફિકના નવા નિયમો અંગેની જાગૃતતા તેમજ રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરવાની માંગ સાથેના પ્લેકાર્ડ સાથે રેમ્પ વોક કર્યું હતું.
આકર્ષણ જમાવ્યું
સરકાર દ્વારા આકરા દંડ સાથે અમલી બનાવવામાં ટ્રાફિકના નવા નિયમોનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ફેશન ચેનલ ઓફ ગુજરાત દ્વારા ટ્રાફિકના નવા નિયમોને લઇ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની કોરીયો ગ્રાફી સંદિપ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. આ ફેશન શોમાં વડોદરાના 5 વર્ષથી લઇ 25 વર્ષની વયના મોડેલો દ્વારા ટ્રાફિકના નવા નિયમોના આવકાર સાથે તંત્રની બનતી જવાબદારીનું ભાન કરાવવામાં આવ્યું હતું. વડોદરામાં પ્રથમ વખત ટ્રાફિકના નિયમોને લઇ યોજાયેલા ફેશન શોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
બાળ મોડલોએ ભાગ લીધો
બાળ મોડેલ હિર કંસારાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઇએ. દરેકે હેલ્મેટ પહેરવું જોઇએ અને સુરક્ષીત રહેવું જોઇએ. સાથે જવાબદાર તંત્ર દ્વારા વાહન ચાલકોને સેફ્ટી માટે સારા રસ્તા પણ બનાવવાની જરૂર છે. હેલ્મેટ પહેરવાથી માથાનું રક્ષણ થશે. પરંતુ, રસ્તા પડેલા ખાડામાં પડી જવાથી હાથ-પગ તુટી શકે છે. તો તંત્રએ ટ્રાફિકના નવા નિયમોના અમલ સાથે લોકોને જરૂરી સુવિધા આપવાની પણ ફરજ બને છે.
મુશ્કેલીઓનો હલ લાવવો જરૂરી
સૌરભસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન થવું જોઇએ. પરંતુ, ટ્રાફિકના નવા નિયમોનો ભંગ કરવા બદલ જે આકરો દંડ રાખવામાં આવ્યો છે. તે યોગ્ય નથી. જે રીતે દંડની રકમ રાખવામાં આવી છે. તેની સામે વાહન ચાલકો માટે સારા રસ્તા નથી. શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોનો ત્રાસ છે. દંડની રકમ વધારવાથી ટ્રાફિકના કડક નિયમનું પાલન કરાવવું યોગ્ય નથી. નવા નિયમોના અમલી કરણથી લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નવા નિયમોનો અમલ કરતા પહેલાં વાહન વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓનો હલ લાવવો જરૂરી છે.