રાજ્યમાં નવી શિક્ષણ પ્રથાનો વ્યાપ વધારવાના આશયથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની 8 વિદ્યાર્થિનીઓએ રાજ્યનું સૌપ્રથમ પ્રજ્ઞા ગીત રજૂ કર્યું છે, ત્યારે હાલ આ વિડિયો સોંગને માત્ર 24 કલાકમાં જ 20 હજારથી વધુ લોકોએ સોશિયલ મીડિયા ઉપર નિહાળ્યું છે.
શિક્ષણનો ભાર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસની સાથે સાથે વિવિધ ઇત્તર પ્રવૃતિઓની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે હાલ બદલાયેલી શિક્ષણ પદ્ધતિને શિક્ષકો અને બાળકો સરળતા પૂર્વક સમજી શકે તે માટે બી.આર.સી. કો-ઓર્ડિનેટર દ્વારા એક સુંદર ગુજરાતી ગીતની રચના કરવામાં આવી હતી. બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં માત્ર 7 દિવસમાં રોજ 1 કલાકની પ્રેક્ટિસ કરીને 8 વિદ્યાર્થિનીઓએ પોતાના મધુર કંઠે ગીત તૈયાર કર્યું છે. જે ગીતનું વીડિયો સોંગ બનાવીને રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ ગીતને શિક્ષણ ગ્રુપમાં લોન્ચ કરતાની સાથે જ માત્ર 24 કલાકમાં 20 હજારથી પણ વધુ લોકોએ નિહાળ્યું છે. હાલ તો રાજ્યનું પ્રથમ પ્રજ્ઞા ગીત યુટ્યુબ, ફેસબુક અને વોટ્સ અપ પર મોટી સંખ્યામાં લોકોએ નિહાળતા વિદ્યાર્થિનીઓ સ્ટાર બની ગઇ છે.