ISRO 5 માર્ચના રોજ GSLV-F 10 દ્વારા જિયો ઇમેજિંગ સેટેલાઇટ મતલબ કે GSAT-1ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરશે. જે GSLV-F 10 રોકેટ દ્વારા તેને લોન્ચ કરવામાં આવશે તે 16 માળની ઇમારત જેટલું ઉંચું છે અને તેનું વજન 4 લાખ 20 હજાર 300 કિલો છે. ISRO પ્રમાણે આ લોન્ચ 5 માર્ચના સાંજે 5.43 વાગ્યે થશે. આ મિશન 18 મિનિટનું હશે મતલબ કે લોન્ચની 18 મિનિટ બાદ GSLV-F 10 રોકેટ ઉપગ્રહને તેની કક્ષામાં સ્થાપિત કરી દેશે. GSLVની આ 14મી ઉડાન રહેશે. આ સેટેલાઇટ દ્વારા દેશના કોઇ પણ ભાગની રિયલ ટાઇમ તસવીર મેળવી શકાશે.
આ સેટેલાઇટને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં રાખવામાં આવશે. ત્યારબાદ ઓનબોર્ડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા આ સેટેલાઇટ 36 હજાર કિલોમીટરની ઉંચાઇ વાળી તેની કક્ષામાં સ્થાપિત થઇ જશે. ISRO પ્રમાણે 2286 કિલો વજનનો GSAT ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. તે ખુબજ ઝડપથી પૃથ્વીની તસવીરો લેશે. GSLVમાં પહેલી વખત 4 મીટરના વ્યાસવાળું પેલોડ ફાયરિંગ (હીટ શિલ્ડ) લગાવવામાં આવ્યું છે. તે સ્પેસક્રાફ્ટ માટે એક રીતે રક્ષાકવચની જેમ કામ કરે છે. કોન આકારનું પેલોડ ફાયરિંગ લોન્ચ દરમિયાન વાયુમંડળથી પેદા થનારી એરોડાયનામિક હીટીંગ અને દબાણથી સ્પેસક્રાફ્ટને બચાવે છે.