દાદા ભગવાનના મુંબઇના અનુયાયી સાથે રૃા.૫.૫૪ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ઠગ અબ્દુલ રહેમાનનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી પૂછપરછ હાથ ધરી છે.
દાદા ભગવાનના અનુયાયી એવા મુંબઇના વેપારી સુરજભાઇ શાહ અને તેના પત્ની સરોજ બેનને ગુરૃજી કનુદાદા અને તેમના જમાઇ બિપીન પટેલે મુંબઇની મોટી જમીન છોડાવવા માટે રૃા.૫.૫૪ કરોડ પડાવી લીધા હતા અને ત્યારબાદ રૃા.૧.૬૦ કરોડ જેટલી રકમ પરત કરી બાકીની રકમ પરત કરી નહતી.આ જ રીતે વેપારીની પુત્રી પાસે પણ ૭૬ હજાર યુ.એસ.ડોલર પડાવી લીધા હતા.જેની ફરિયાદ નોંધાઇ હતી.
આ પહેલાં પણ મુંબઇની એક કંપનીના એમ.ડી.અને દાદા ભગવાન પંથના અનુયાયી અલ્કેશભાઇ પટેલ પાસે કનુદાદા અને જમાઇ બિપીન પટેલે આજ રીતે જમીન છોડાવવાના નામે રૃા.૫.૮૪ કરોડ પડાવી લેતાં ક્રાઇમ બ્રાન્ચે સસરા-જમાઇના સાગરીત એવા અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમ સફરી (રહે.પવનવીર એપાર્ટમેન્ટ, પ્રતાપગંજ,વડોદરા અને લિન્ક ગાર્ડન એપાર્ટમેન્ટ, મિલતનગર સામે,અંધેરી-વેસ્ટ,મુંબઇ) ની ધરપકડ કરી હતી.
અબ્દુલરહેમાને બિપીન પટેલની સાથે જમીનોના કોર્ટના બોગસ હુકમો,કલેક્ટરનો પત્ર જેવા દસ્તાવેજો બતાવી નાણાંની લેવડદેવડમાં સાથે રહ્યો હતો.
દાદા ભગવાનના બીજા અનુયાયી સુરજ શાહે પણ સસરા-જમાઇ સામે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ આજે પીઆઇ જે જે પટેલ અને સ્ટાફે સેન્ટ્રલ જેલમાંથી અબ્દુલ રહેમાનની ધરપકડ કરી છે.