બીએસઇ અને એનએસઇમાં છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછી દસેક સિક્યોરિટી બ્રોકર્સ કંપનીઓ ડિફોલ્ટ થતાં હવે ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (આઇપીએફ) પણ ઓછું પડે અને રોકાણકારોને અન્યાય થાય એવી સ્થિતિ સર્જાઇ છે.
એક પછી એક બ્રોકર્સ ડિફોલ્ટ થવાને કારણે હજારો રોકાણકારોના નાણાં ડુબ્યા છે અને આ જ મુદ્દાને લઇને છેલ્લા કેટલાક દિવસથી નેશનલ સ્ટોક એક્સચેન્જની અમદાવાદ ખાતેની ઓફિસે રોકાણકારો સત્યાગ્રહ કરી રહ્યા છે.
શેરબજાર દ્વારા ઓક્ટોબર 2019માં ફેરવેલ સિક્યોરિટીને રિસ્ક મોડમાં મુકવામાં આવી છે તેના કારણે રોકાણકારોના નાણાં ફસાઇ ગયા છે અને રોકાણકારો સેબીની ઓફિસે અને એનએસઇની ઓફિસે હલ્લો મચાવી રહ્યા છે છતાં આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. હકીકતમાં પૂરતા ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ વિના શેરબજાર ચલાવી જ શકાય નહીં. તેમ છતાં બીએસઇ અને એનએસઇ આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી.
જો એક સામટી વધુ બ્રોકર કંપનીઓ ડિફોલ્ટ થાય તો શેરબજારો રોકાણકારોના નાણાં કઇ રીતે ચુકવશે એ મુદ્દે બીએસઇ એનએસઇ ખુલીને માહિતિ આપતા નથી, તેના કારણે રોકાણકારો નારાજ છે. છેલ્લે 28 ફેબ્રૂઆરીએ વધુ ચાર બ્રોકર્સ ડિફોલ્ટ થયા છે. આમ વર્ષમાં લગભગ દસેક બ્રોકર્સ ડિફોલ્ટ થવાને કારણે આ બ્રોકર્સના ગ્રાહકોના લાખો રૂપિયા ડુબી ગયા છે.
ફેરવેલ સિક્યુરિટીનું જ ઉદાહરણ આપવામાં આવે તો આ કંપની શેરબજારના ચડાવઉતારના કારણે નહીં પણ ફ્રોડ કરવાના કારણે ડિફોલ્ટ થઇ છે. આ કંપનીએ તેના ક્લાયન્ટના ખાતામાંથી બારોબાર શેરો વેચી મારી પોતે પૈસા લઇ લીધા છે અને રોકાણકારોને ન્હાવાનો વારો આવ્યો છે. આ ક્લાયન્ટો એનએસઇ અને સેબીને રજુઆત કરી ચુક્યા છે પણ એક પૈસો હાથ લાગ્યો નથી.
હકીકતમાં તો શેરબજારો સમયાંતરે બ્રોકર્સના ક્લાયન્ટનું ઓડિટ કરે ત્યારે જ આ મુદ્દો પકડાવો જોઇતો હતો. પણ આ બાબત જ બતાવે છે કે, ઓડિટમાં કેટલું લોલંલોલ ચાલે છે. જો આ રીતે કંપનીઓ ડિફોલ્ટ થતી રહે અને બીએસઇ એનએસઇમાં અચાનક રોકાણકારોના ક્લેઇમ વધી જાય તો રોકાણકારોને કેવી રીતે નાણાં ચુકવશે એ પણ શેરબજારોએ સ્પષ્ટતા કરવાની જરૂર છે.
છ ઓક્ટોબરે સેબીએ નવો સુધારો બહાર પાડીને ડિફોલ્ટરની ઓવરઓલ લિમિટ કરી નાંખી એટલે જેટલા ક્લેઇમ હોય તેના નુકસાનીના નાણાં સરખાભાગે વહેંચીને આપવાના થાય . આથી જો ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાં જ ભંડોળ ઓછું હોય તો સરવાળે રોકાણકારોને જ નુકસાન જાય આથી રોકાણકારોએ આઇપીએફ ફંડની વિગતો જાહેર કરવા અને તેમાં વધારો કરવાની માગ કરી છે.