ભારત સહિત દુનિયાના 30 દેશોના એમ્બેસેડર સાક્ષી બનશે
અમેરિકા અને અફઘાનિસ્તાનના આતંકી જૂથ તાલિબાન વચ્ચે શનિવારે કતરમાં શાંતિ સમજૂતીના હસ્તાક્ષર થશે. આ દરમિયાન ભારત સહિત 30 દેશોના એમ્બેસેડર્સને દોહા આવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સમજૂતીમાં ભારતની ભૂમિકા મહત્વની રહી છે. 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિશે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. શાંતિ સમજૂતી પહેલાં ભારતીય વિદેશ સચિવ હર્ષ વર્ધન શૃંગલા શુક્રવારે રાત્રે કાબુલ પહોંચ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ અશરફ ગની અને સરકારના સીનિયર્સ અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. શૃંગલાના રાષ્ટ્રપતિ ગનીને વડાપ્રધાન મોદીનો પત્ર પણ સોંપ્યો છે.
9/11 હુમલાપછી અમેરિકાએ 2001માં તાલિબાન વિરુદ્ધ જંગ માટે તેમના સૈનિક અફઘાનિસ્તાન મોકલ્યા હતા. અહીં આતંકી જૂથ સાથે અથડામણમાં તેમના 2352 સૈનિકોના મોત થયા હતા. અમેરિકા હવે અફઘાનિસ્તાનથી તેમના સૈનિકો પાછા બોલાવી લેવા માંગે છે. તે માટે તેમની અફઘાન સરકાર અને તાલિબાની પ્રતિનિધિઓ સાથે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ શાંતિ સમજૂતી વિશે સહમતી આ સપ્તાહે જ થઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે રાત્રે ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે ગ્રીન સિગ્નલ બતાવ્યું છે.