રમતોના મહાકુંભ ઉપર ઘાતક કોરોના વાઇરસની સાઇડ ઇફેક્ટ પડી શકે છે અને ટોક્યો ખાતે ૨૪મી જુલાઈથી યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને સ્થગિત કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે અને આ સંકેત જાપાનની સરકારે રાજ્યસભામાં આપ્યો છે. જાપાનના ઓલિમ્પિક મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે ઓલિમ્પિકને સ્થગિત કરવામાં આવી શકે છે.
ઓલિમ્પિક મંત્રી સિકો હાશિમોતોએ રાજ્યસભામાં એક પ્રશ્નના સંદર્ભમાં જણાવ્યું હતું કે ઓલિમ્પિક જો તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૨૪મી જુલાઈથી શરૂ થશે નહીં તો તેને ૨૦૨૦ના વર્ષમાં પાછળથી યોજવામાં આવી શકે છે. ટોક્યો ઓલિમ્પિક ઉપર ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસનું જોખમ તોળાયું છે અને આ કારણથી જાપાનમાં અત્યાર સુધી ૧૨ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
કોરોના વાઇરસના કારણે વિશ્વભરમાં અનેક ઇવેન્ટ તથા ઓલિમ્પિક સાથે જોડાયેલી ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ રદ કે સ્થગિત કરી દેવામાં આવી છે. હાશિમોતોએ જણાવ્યું હતું કે જો રમતનું આયોજન ૨૦૨૦ના વર્ષમાં થઈ શકશે નહીં તો આઇઓસી તમામ રમતોને મોકૂફ રાખી શકે છે.
બીજી તરફ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) તથા ટોક્યો ઓલિમ્પિકના આયોજકો વારંવાર કહી રહ્યા છે કે ઓલિમ્પિક ગેમ્સ તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. કેટલાક અન્યનું માનવું છે કે ઝડપથી ફેલાઈ રહેલા વાઇરસના કારણે રમતોને રદ કે સ્થગિત કરીને અન્ય કોઈ શહેરમાં યોજી શકાય છે.
સ્વિસ લીગ ફૂટબોલ પણ સ્થગિત કરી દેવામાં આવી
સ્વિસ ફૂટબોલ લીગને પણ વાઇરસના આતંકના કારણે ૨૩મી માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવી છે. જો પરિસ્થિતિમાં કોઈ ફરક પડશે નહીં તો તેને લાંબા સમય સુધી રમાડવામાં આવશે નહીં. આ લીગમાં વિશ્વની ટોચની ૨૦ ક્લબો ભાગ લે છે. એશિયન ચેમ્પિયન્સ લીગ (પૂર્વ ઝોન)ના સભ્યોએ માર્ચ તથા એપ્રિલમાં રમાનારી તમામ મેચોને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ લીગમાં ચીન અને સાઉથ કોરિયાની ટીમો પણ ભાગ લે છે. આ બંને દેશોમાં વાઇરસની ઇફેક્ટ સૌથી વધારે છે. યૂરો ૨૦૨૦ લીગ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
કોરોના વાઇરસ ઇફેક્ટ, ઇંગ્લિશ ક્રિકેટર શ્રીલંકાના પ્રવાસમાં હેન્ડ શેક કરશે નહીં
ઘાતક કોરોના વાઇરસની અસર વિશ્વભરની રમતો ઉપર થઈ છે એન હવે ઇંગ્લેન્ડના સુકાની જોઈ રુટે જણાવ્યું હતું કે તે તેની ટીમના ખેલાડી શ્રીલંકાના પ્રવાસ દરમિયાન હરીફ ટીમ કે અન્ય કોઈ સાથે હેન્ડ શેક કરશે નહીં. ઇંગ્લિશ ખેલાડીઓ કોરોના વાઇરસના જોખમના કારણે શ્રીલંકન પ્રવાસમાં તેઓ વધારે સાવચેત રહેશે.
ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડી રહી છે ત્યારે કોરોના વાઇરસ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના સંદર્ભમાં જોઈ રુટે જણાવ્યું હતું કે અમે એકબીજા સાથે હેન્ડ શેક કરવા બદલે એકબીજાનું અભિવાદન મુઠ્ઠીઓ (Fist Bump) ટકરાવીશું. નોંધનીય છે કે સાઉથ આફ્રિકાના પ્રવાસની પ્રથમ ટેસ્ટ પહેલાં તથા ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમના ઘણા ખેલાડીઓને પેટમાં તકલીફો અને ફ્લૂની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. જોઈ રુટે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વિવિધ બીમારીઓથી ટીમના સભ્યોને મુશ્કેલીઓ પડી હતી જેના કારણે અમે એકબીજા સાથે ઘણા ઓછા સંપર્કમાં રહેવું જોઈએ તે બાબતને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અમારી મેડિકલ ટીમે કોઈ પણ પ્રકારના વાઇરસ તથા બેક્ટેરિયાને ફેલાતા રોકવા માટે અમને કેટલીક સૂચનાઓ આપી છે. અમે એકબીજા સાથે હાથ મિલાવીશું નહીં પરંતુ તેના સ્થાને મુઠ્ઠીઓ એકબીજા સાથે ટકરાવીશું. અમે નિયમિત રીતે વારંવાર હાથ ધોઈશું અને બેક્ટેરિયા વિરોધી વાઇપ્સ તથા જેલ દ્વારા સપાટીઓને સાફ કરીશું.