ઓસ્ટ્રેલિયા (Australia)નો બેટ્સમેન ક્રિસ લિન (Chriss Lynn) દુનિયાભરની ક્રિકેટ લીગમાં રમે છે. હાલ તે પાકિસ્તાનની ટી-20 લીગ પીએસએલ (PSL)માં ભાગ લઈ રહ્યો છે. જેમાં તે લાહોર કલંદર (Lahore Qalandars)તરફથી રમી રહ્યો છે. શુક્રવારે ક્રિસ લિને પેશાવર જાલમી સામે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. જોકે તે મેચ પછી પોતાની આક્રમક ઇનિંગ્સના કારણે નહીં પણ અન્ય કારણોસર ચર્ચામાં આવી ગયો હતો. મેચમાં જ્યારે લિન આઉટ થયો તો અચાનક તેના માથામાંથી ધુમાડો નિકળવા લાગ્યો હતો. આ કારણે સોશિયલ મીડિયામાં તે ચર્ચાનો વિષય બન્યો હતો.
પેશાવર જાલમીએ 12 ઓવરમાં 133 રન બનાવ્યા હતા. પડકારનો પીછો કરતા ક્રિસ લિને પાંચમી ઓવરમાં પ્રથમ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. લિને ગુસ્સામાં પોતાની કેપ કાઢી અને પેવેલિયન જવા લાગ્યો હતો. જેવો તે આગળ વધ્યો ત્યારે અચાનક તેના માથામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જે જોઈને બધા આશ્ચર્યચકિત થયા હતા. સોશિયલ મીડિયા પર લિનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જાદુથી લઈને ભૂત સુધી કહેવા લાગ્યા છે. કેટલાક પ્રશંસકોએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે તેની સાથે કોઈ ભૂત ચાલી રહ્યું છે. જ્યારે કેટલાકે કહ્યું કે લિન ઉપર કોઈએ જાદુ કર્યું છે.